February 07, 2017

શ્રીજી ની લીલા


શ્રીજીની લીલા 
-: સદગુરૂ શ્રી શ્યામળીયા ચૈતન્યાનંદ સ્વામીની વાતો માંથી :-



                  સોમલેખાચારે નિષ્કુળાનંદસ્વામીને પૂછ્યું જે,"ભુજમાં રામાનંદસ્વામીએ શો ઠપકો દઈને વાત કરી હતી?" ત્યારે નિષ્કુળાનંદસ્વામીએ કહ્યું જે,"મહારાજ લોજમાં આવ્યા ને મુક્તાનંદસ્વામી પાસે રહ્યા.પછી તરત રામાનંદસ્વામીને અંતરજામીપણે ખબર પડી જે, 'મહારાજ પધાર્યા,તે આપણે હવે ચિંતા ઊતરિ ને પરમ આનંદ થયો.'એમ જાણીને સર્વે હરિભક્ત ઉપર કાગળ લખ્યા જે,'લોજમાં તપસ્વી આવ્યા છે તને દર્શને જાજ્યો.'

       ત્યારે મને વિચાર થયો જે,'એવા તપસ્વી તો ઘણાય આવે છે ,માટે હું તો રામાનંદસ્વામીને દર્શને જાઉં.'એમ વિચારીને હું ભુજ ગયો. ત્યાં રામાનંદસ્વામી ઢોલીયા ઉપર સૂતા સૂતા હરિભક્ત આગળ વાત કરતા હતા.ને મને દેખીને મોઢા ઉપર ઓઢતા નથી અને ઘણા હેતથી મુને બોલાવે છે;' એવા વિચારમાં હું પગે લાગીને બેઠો.

      પછી રામાનંદસ્વામીએ મોઢું ઉઘાડીને મને કહ્યું જે,'લોજ તપસ્વી આવ્યા છે,તેને દર્શને કેમ ગયા નહિ?ને આહીં આવ્યા?' ત્યારે મેં કહ્યું જે,'તમને મેલીને લોજ શું કરવા જાઉં? એવા તપસ્વી તો ઘણાય આવે છે, એમ જાણીને હું તમારે દર્શને આવ્યો.'ત્યારે રામાનંદસ્વામીએ કહ્યું જે,'તમે બહુ ખોટું કર્યું! તમારે લોજ જાવું હતું.' એમ કહીને બીજા હરિભક્ત આગળ વાત કરવા લાગ્યા.

         અને વળી ઘડીક રહીને મારા સામું જોઇને કહ્યું જે,'લાલજી ભગત,તમે બહુ ખોટું કર્યું!' ત્યારે મેં કહ્યું જે,'મહારાજ ! મેં શું ખોટું કર્યું?' ત્યારે સ્વામીએ કહ્યું જે,'લોજ ગયા નહિ તે ખોટું કર્યું,ને ગયા હોત તો તપસ્વીનાં દર્શન થાત ને મોટો લાભ થાત.'પછી મેં કહ્યું જે,'તમો વારે વારે કહો છો, તે તપસ્વી કેવા મોટા છે?' ત્યારે સ્વામીએ કહ્યું જે,'અતિ મોટા છે.'

         પછી મેં કહ્યું જે,'વ્યાપકાનંદ સ્વામી જેવા?' ત્યારે સ્વામીએ કહ્યું જે,'એ તે એમની આગળ શું!'પછી મેં કહ્યું જે,'હરિદાસ તે એમની આગળ શું!પછી મેં કહ્યું જે, 'રામદાસજી જેવા?' ત્યારે કે,'રામદાસજી તે એમની આગળ શું!' ત્યારે મેં કહ્યું જે,'મુકુંદદાસજી જેવા ?' ત્યારે કે જે,'મુકુંદદાસજી તે એમની આગળ શું!' ત્યારે મેં કહ્યું જે,'રઘુનાથદાસ જેવા?'ત્યારે કે જે,'એ તે એની આગળ શા લેખામાં!' ત્યારે મેં કહ્યું જે, 'તમારા જેવા?' ત્યારે તેમણે કહ્યું જે,'હું પણ એમની આગળ શું....?! મારા જેવા તો અનંત છે....!!' ત્યારે મને એમ સંશય થયો જે, આ તે સ્વામી શું કહે છે....?! તેથી બહુ વસમું લાગ્યું.

        અને વળી બીજા હરિભક્ત આગળ તપસ્વીની વાતું કરતા જાય ને રમુજ કરતા જાય. અને વળી મારા સામું જોઇને કહ્યું જે,'લાલજી ભગત! તમે બહુ ખોટું કર્યું.' ત્યારે મેં કહ્યું જે,'આવડું મેં જાણ્યું નહોતું,નહિ તો લોજ જાત.'તેવામાં કોઈ સુતાર હરિભક્તે આવીને રામાનંદ સ્વામીને કહ્યું જે,'આજ મારું નોતરું છે,તે થાળ કરાવું છુ.' ત્યારે કહ્યું જે, 'જાઓ કરાવો.' પછી થાળ તૈયાર થયો એટલે તે તેડવા સારું આવ્યો.ત્યારે સ્વામી જમવા ચાલ્યા ને મને કહે જે, 'તમે પણ ચાલો.'ત્યારે હું પણ ગયો. પછી સ્વામી તેને ઘેર ઢોલીયા ઉપર બિરાજમાન થયા ને સુતારે ઘરમાં જઈને થાળ તૈયાર કર્યો. પછી સ્વામીને કહ્યું જે, 'જમવા ઉઠો.' ત્યારે સ્વામી જમવા ઉઠ્યા ને પાટલા ઉપર બિરાજ્યા.






.

February 06, 2017

શ્રીજી ની લીલા

શ્રીજી ની લીલા 

-: સદગુરૂ શ્રી શ્યામળીયા ચૈતન્યાનંદ સ્વામીની વાતો માંથી :-

           ગામ શ્રી કરિયાણી મધ્યે મંદિરમાં હાલ જેને અક્ષર ઓરડી કહે છે,તેમાં ઉત્તર-દક્ષિણ ઢોલીયો બિછાવ્યો હતો . તે ઉપર શ્રીજી મહારાજ ઉગમણે મુખારવિન્દે વિરાજમાન હતા ને આથમણીકોરના બારણામાં શુક સ્વામી લખતા હતા . તે સમામાં કોઈક હરિભક્ત આવીને મહારાજને દંડવત કરવા લાગ્યો . તેને મહારાજે પૂછ્યું જે, 'ક્યાંથી આવ્યા?' ત્યારે તેણે કહ્યું જે, 'હું વડોદરેથી આવ્યો.' ત્યારે મહારાજે કહ્યું જે, ગોપાળાનંદ સ્વામી વડોદરે સુખી છે? ને બીજા સર્વે સુખી છે?' ત્યારે તેને કહ્યું જે, 'ગોપાળાનંદ સ્વામી આહીં આવે છે ને હું ભેળો હતો તે આગળ આવ્યો.' ત્યારે મહારાજે કહ્યું જે, 'ચાલો, આપણે સામા જઈએ .'                       
      તે સમેં મહારાજ શ્વેત પાઘ બાંધી હતી ને હલકી શ્વેત ચાદર ઓઢીને ચાખડી ઉપર ચડીને ચાલ્યા. તે બારણામાં થઈને ઓસરીમાં પગથિયાથી ઉત્તરાદી કોરે થાંભલી છે ત્યાં આવ્યા. તેવામાં વસ્તાખાચાર ને કંઈ વેવાર સંબંધી વાત પૂછવી હતી, તે આવીને પડથાર[ઓસરીની પ્લીન્થ] હેઠે ઉભા રહીને હાથ જોડીને પૂછવા માંડ્યા;તે મહારાજ સંભાળતા હતા. તેટલામાં ગોપાળાનંદ સ્વામી આવીને જ્યાં સિદ્ધાનંદસ્વામીએ મોટી ધર્મશાળા કરાવી છે, તે ઠેકાણે દંડવત કરવા લાગ્યા. ત્યારે મહારાજ ઓસરી ઉપરથી હેઠા ઉતારીને સામા જઈને બે હાથે ઝાલીને સ્વામીએ ઉભા કરીને મળ્યા ને હાથ ઝાલીને ચાલ્યા , તે જ્યાં અક્ષર ઓરડીમાં પોતાનો ઢોલીયો હતો ત્યાં બિરાજમાન થયા ને સ્વામી ઢોલિયાના થડમાં દક્ષિણાદી કોરે  મહારાજને સન્મુખ બેઠા.
    પછી મહારાજે સર્વે વડોદરાના તથા ચરોતરના હરિભક્તના સમાચાર પૂછ્યા ને કહ્યું જે,'સર્વે સુખી છે?' ત્યારે સ્વામીએ કહ્યું જે,'હા મહારાજ ! સર્વે સુખી છે.' એમ કહીને એક ઘડી ત્યાં બેઠા.પછી મહારાજે કહ્યું જે, 'તમે ઉતારે જાઓ.'ત્યારે સ્વામી નમસ્કાર કરીને ઉતારે ગયા ને મહારાજ વાસ્તે બ્રહ્મચારી થાળ લઈને આવ્યા . ત્યારે મહારાજ જમવા બેઠા ને બ્રહ્મચારીએ મહારાજને સારી પેઠે જમાડ્યા ને ચળું કરાવ્યું ને મુખવાસ આપ્યો . તે જમતા થકા મહારાજ ઢોલિયે વિરાજીને બ્રહ્મચારીને કહ્યું જે , 'આ થાળની પ્રસાદી ગોપાળાનંદ સ્વામીને આપજ્યો.'ત્યારે બ્રહ્મચારીએ પુરૂષાનંદસ્વામીને તેડાવીને થાળની પ્રસાદી આપી.પછી મહારાજ જળપાન કરીને પોઢીને ગયા.
      તે પોર પોઢીને જાગ્યા ને ચારેકોરે નજર ફેરવીને જોયું. તેવામાં કોઈ સેવક પાસે નહિ ને શુક્મુનિ બારીમાં લખતા હતા.તેણે મહારાજને પાણીનો લોટો ઢોલિયા હેઠે હતો તે લઈને આપ્યો. ને મહારાજે જળપાન કરીને કહ્યું જે,'ગોપાળાનંદસ્વામી ને બોલાવી લાવો.'ત્યાં સોમલોખાચર આવ્યા. તેણે કહ્યું જે,'સ્વામી, તમે લખો ને હું બોલાવી લાવું. તમે રહેવા દ્યો.' ત્યારે મહારાજે રતનજીને કહ્યું જે,'ગોપાળાનંદ સ્વામીને એકલા બોલાવીને લાવાજ્યો.'
     પછી રતનજી ગોપાળાનંદસ્વામીને બોલાવી લાવ્યા. તે પગે લાગીને બેઠા. ત્યારે મહારાજ કહે,'સ્વામી,તમારી આગળ વાત કરવી છે.'ત્યારે સ્વામીએ કહ્યું જે,'બહુ સારું મહારાજ કહો.' તે સમયમાં નિષ્કુળાનંદસ્વામી મંદિરના કુવાનું કામ કરાવતા હતા.તેમને મનસુબો થયો જે,'ગોપાળાનંદસ્વામી વડોદરેથી આવ્યા ને તેમને વાત કરશે;માટે વાત સંભાળવા હું જાઉં.' એમ ધારીને ગયા ને મહારાજ આગળ જઈને બેઠા. ત્યારે મહારાજે તેમને કહ્યું જે,'તમે આહીં આવ્યા પણ દાડિયા કામ નહિ કરે.' ત્યારે સ્વામી ઊઠીને ત્યાં ગયા અને વળી તેનો તે સંકલ્પ થવાથી ફરી આવીને બેઠા. ત્યારે મહારાજે વળી કહ્યું જે, 'સ્વામી,તમ વિના કામ નહિ થાય ને તમે જો ત્યાં ઊભા હો તો બમણું કામ થાય.'ત્યારે સ્વામી ગયા ને કામ ચાલતું કરાવીને વળી આવીને મહારાજ પાસે બેઠા. ત્યારે ત્રીજીવાર મહારાજે કહ્યું જે,'સ્વામી, તમે આહીં આવ્યા પ ટીપ્પણી મોળી બોલે છે.'
      ત્યારે નિષ્કુળાનંદસ્વામી પાછા કારખાને ગયા અને વળી છાના આવીને વાત સંભાળવા બારણાના થાળમાં બેઠા.
    પછી મહારાજે ગોપાળાનંદસ્વામીને વાત કરવા માંડી જે,'અમે અક્ષરધામમાંથી આહીં આવ્યા, તે આ છો હેતુ લઈને આવ્યા છીએ.' ત્યારે ગોપાળાનંદસ્વામીએ કહ્યું જે,'ક્યાં છો હેતુ લઈને આવ્યા છો? ત્યારે મહારાજે કહ્યું જે,"એક તો સર્વોપરી પુરુષોત્તમ ભગવાનનું જ્ઞાન ને ઉપાસના તે આ પૃથ્વીમાં નથી,તે પ્રવર્તાવવા સારું આવ્યા. અને બીજું અવતાર ને અવતારના ભક્ત તેને અક્ષરધામમાં લઇ જવા. અને ત્રીજું આ પૃથ્વીને વિષે એકાંતિકધર્મનું સ્થાપન કરવું. અને ચોથું ભક્તિ-ધર્મને સુખ દેવું.અને પાંચમું કેટલાક કાળથી તીર્થ,વ્રત, દાન તેને કરતા એવા યોગભ્રષ્ટ તેને ભગવાનના અક્ષરધામમાં લઇ જાવા . અને છઠું અમારા ભક્તના સંબંધે કરીને એવા અનંત યોગભ્રષ્ટ થાશે.
    એ છો હેતુ પ્રવાર્તાવવાની આજ્ઞા અમે નરનારાયણને કરી.ત્યારે તેમણે પોતાનું સર્વે તપ ભરતખંડની પ્રજાને આપ્યું અને મહા દાખડો કર્યો તોપણ તે હેતુ ન પ્રવર્ત્યા. ત્યારે તેમણે લક્ષ્મીનારાયણને આજ્ઞાની પ્રાથના કરીને કહ્યું જે,'પુરુષોત્તમનો સંકલ્પ છે માટે તમે પ્રવર્તાવો.'ત્યારે તેમણે ઘણો દાખડો કર્યો પણ તે વાત ના થઇ. ત્યારે તે લક્ષ્મીનારાયણે વૈકુંઠનાથની પ્રાર્થના કરીને કહ્યું જે,'પુરુષોત્તમનો સંકલ્પ છે તે તમે દાખડો કરીને પ્રવાર્તાવો.'ત્યારે તેમણે ઘણો દાખડો કર્યો પ તેમનાથી તે વાત બની નહિ.ત્યારે તે વૈકુંઠનાથે ગોલોક્વાસીને અતિ પ્રાર્થના કરીને કહ્યું જે,'તમે આ પુરુષોત્તમનારાયણનો સંકલ્પ છે તે પ્રવાર્તાવો 'ત્યારે તેમણે પણ બહુ આગ્રહ લીધો, પણ તેનાથી આ છો હેતુ પ્રવર્તા નહિ .' પછી તેણે અમારી ઘણીક પ્રાર્થના કરીને કહ્યું જે,'તમે પધારો તો તમારો મનોરથ પૂરો થાય' ત્યારે સ્વામી,અમે અહીં આવ્યા."
       તે વાત સંભાળીને નિષ્કુળાનંદસ્વામી બોલ્યા જે,'આવી વાત કોઈ દિવસ કોઈએ કરી નથી ને કોઈ દિવસ સાંભળી પણ નથી.' ત્યારે સોમલેખાચરે કહ્યું જે,'તમે રામાનંદસ્વામી પાસે ઘણા દિવસ રહ્યા ને એમનો ઘણોક જોગ હતો; તે એમણે આવી વાત ન કરી?' ત્યારે નિષ્કુળાનંદસ્વામીએ કહ્યું જે,'અમારી પાસે આવી વાત કોઈ દિવસ કરી નથી.' ત્યારે મહારાજે નિષ્કુળાનંદસ્વામીને કહ્યું જે,'તમે ઘરેથી ભુજમાં રામાનંદસ્વામીને દર્શને ગયા હતા,ત્યારે રામાનંદસ્વામીએ નો'તી કરી? ત્યારે નિષ્કુળાનંદસ્વામીએ કહ્યું જે,'હું સ્વામીને દર્શને ભુજમાં ગયો હતો, ત્યારે રામાનંદસ્વામીએ તો પોતાનો નિશ્વે ફેરવીને તમારો નિશ્વય કરાવવા એ વાત ઠબકો દેઈને કરી હતી;પણ આ વાત નો'તી કરી.' ||૨||